કોઈ પણ રાષ્ટ્રની વ્યવસ્થા કોઈ ને કોઈ પ્રકારના શાસનથી જ થઈ શકતી હોય છે. શાસન વિના અરાજકતા ફેલાઈ જતી હોય છે. શાસનનો અર્થ છે કે આદેશ કરવો અને તેનું પાલન કરાવવું. શાસનનો આદેશ આપવો તે બહુ જ મહત્ત્વની વસ્તુ છે. રાજા આદેશ આપે છે. ચાણક્ય કહે છે કે “શાસનપ્રધાના હિ રાજાનઃ” રાજાઓ હુકમ કરનારા હોય છે. હુકમનું પાલન પરાક્રમથી થતું હોય છે. પરાક્રમ વિનાનો રાજા હુકમ તો કરી શકે છે પણ તેનું પાલન નથી કરાવી શકતો.
આદેશ લિખિત હોવો જોઈએ જેથી રાજા પાસે સારો લેખક હોવો જોઈએ. સારા અક્ષરો જેવા થોડામાં જ બધું સમજી જઈને પૂરેપૂરું લખનારો ગુણવાન હોવો જોઈએ.
લેખક જે લેખ લખે તેમાં છ ગુણો હોવા જોઈએ.
૧. અર્થક્રમ : લેખમાં ક્રિયાપદોનો પૂરેપૂરો ઉપયોગ કરીને જે કહેવા માગો છો તેનો સાચો અર્થ પ્રગટ થવો જોઈએ. ગોળ ગોળ અથવા અનેક અર્થવાળું લખાણ ન લખાય.
૨. સંબંધ : જે હેતુ માટે પત્ર લખાયો હોય તે હેતુને છેક સુધી પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. વિષયાન્તર ન થાય.
૩. પરિપૂર્ણતા : લેખમાં વગર જોઈતું લાંબું કે ટૂંકું લખાણ ન હોવું
જોઈએ. જ્યાં જેટલી જરૂર હોય ત્યાં તેટલું જ લખવાનું. જરૂર પડે તો દૃષ્ટાન્તો તથા ઉપમાઓ આપીને વાતને સ્પષ્ટ કરવી જોઈએ.
૪. માધુર્ય: લેખ મધુર ભાષામાં લખાયો હોવો જોઈએ કટુ કે તિરસ્કારભરી ભાષા ન લખાય. શત્રુને પણ મીઠી ભાષામાં પોતાની વાત જણાવવી જરૂરી છે.
૫. ઔદાર્ય : લેખમાં અશ્લીલ, અસભ્ય કે તોછડાઈભરી ભાષા ન હોવી જોઈએ. આવી શિષ્ટભાષાને ઔદાર્ય કહેવાય છે. ગાલી-ગલોચ, તોછડાઈભરી, તુંકારાવાળી અસભ્ય ભાષા લખનાર હલકા માણસો હોય છે. રાજાએ કદી તેવા ન થવું.
૬. સ્પષ્ટતા ઃ ભાષા સરળ, શબ્દો પ્રચલિત, વાક્યો ટૂંકાં અને સહજ બોધ થાય તેવો લેખ હોવો જોઈએ.
આ છ ગુણોવાળો લેખક રાજાનો પત્રાચાર કરે. શત્રુને પણ કદી હલકો પત્ર ન લખે. પત્રમાં અલ્પવિરામ, પૂર્ણવિરામ વગેરેનો પ્રયોગ કરવો. પત્ર પૂરો થાય
ત્યારે ‘ઇતિ’ લખવું.
જે લેખ લખવામાં આવે તેમાં પાંચ દોષો ન હોવા જોઈએ. તે પાંચ ઘેષો આ પ્રકારે છે. ૧. અક્રાન્તિ ઃ મેલા કાગળ ઉપર ખરાબ અક્ષરો લખવા અથવા ઝાંખી
શાહીથી લખવું. જેથી વાંચનારને કષ્ટ પડે તેને ‘અક્રાન્તિ’ દોષ કહેવાય છે.
૨. વ્યાઘાત : પૂર્વપત્રના વિષયનો મેળ ન બેસાડવો તેને વ્યાઘાત દોષ
કહેવાય છે. ઉત્તર આપતી વખતે આવેલા પત્રને સામે રાખીને ક્રમવાર ઉત્તર
આપવા જોઈએ.
૩. પુનરુક્ત : કહેવાઈ ગયેલી વાતને ફરીફરીથી લખવી અને તે પણ લાંબું લાંબું લખવું તે પુનરુક્ત દોષ કહેવાય છે.
૪. અપશબ્દ : વ્યાકરણથી અશુદ્ધ ભાષા લખવી તેને અપશબ્દ કહેવાય
છે. જેમાં જાતિ-વચન-વિભક્તિ કાળ અને કારકનો ખોટો પ્રયોગ કરાતો હોય
છે. જેમકે કોઈ સ્ત્રી કહે કે “હું ગયો હતો” વગેરે.
૫. સંપ્લવ : જ્યાં વિરામ કરવાનો હોય ત્યાં વિરામ ન કરાય અને જ્યાં વિરામ ન કરવો હોય ત્યાં વિરામ કરાય તેને સંપ્લવદોષ કહેવાય છે. આ પાંચ દોષોથી રહિત લખાણ લખવું જોઈએ તથા વાણી બોલવી જોઈએ.
No comments:
Post a Comment